વિકાસના સાચા ઘડવૈયા એવા શ્રમિકોના કલ્યાણ અને આરોગ્ય માટે રાજ્ય સરકારે વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે આવેલ ઐતિહાસિક દરબારગઢ પરિસરમાં 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'નો સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ તથા અન્ય અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજના અંતર્ગત સાવરકુંડલાના શ્રમિકોને દરરોજ માત્ર ₹૫ ની ટોકન દરે પૌષ્ટિક અને સાત્વિક ભોજન મળી રહેશે.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ પોતે હાજર રહીને શ્રમિકોને સ્વયં ભોજન પીરસ્યું હતું અને શ્રમજીવીઓ પ્રત્યે આદર અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી. શ્રમિકો સાથે બેસીને યોજનાની ગુણવત્તા અને વ્યવસ્થા અંગે પણ તેમણે માહિતી મેળવી હતી.
આરોગ્ય સેવાઓની સમીક્ષા
અન્નપૂર્ણા યોજનાના પ્રારંભ સાથે જ ધારાસભ્યશ્રીએ સ્થળ પર ઉપસ્થિત ‘ધનવંતરી આરોગ્ય રથ’ની પણ મુલાકાત લીધી હતી. તેમણે શ્રમિકો માટે ઉપલબ્ધ આરોગ્ય તપાસ, દવાઓ અને અન્ય તબીબી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રમિક ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના શરુ થવાથી સાવરકુંડલાના શ્રમજીવી વર્ગમાં ભારે હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.