જાપાનના આઇચી-નાગોયા ખાતે આયોજિત એશિયન પેરા ગેમ્સ-2026માં ગુજરાતની દાહોદની દૃષ્ટિબાધિત દોડવીર શ્રી તેજલબેન અમરજી ડામોરે મહિલા 200 મીટર T12 સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં પોતાના શ્રેષ્ઠ સમય સાથે તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સિદ્ધિ હાંસલ કરી છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ના ગાંધીનગર સ્થિત નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સમાં તાલીમ લઈ રહેલા 24 વર્ષના શ્રી તેજલબેને હીટ્સમાં 25.25 સેકન્ડનો સમય નોંધાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. અગાઉ સપ્ટેમ્બર 2026માં દુબઈ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં તેણે 25.47 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
શ્રી તેજલબેને પોતાની સફળતાનો શ્રેય કોચ નીતિન ચૌધરીને આપતાં જણાવ્યું હતું કે, આ મેડલ પાછળ કોચની સતત મહેનત, શિસ્ત અને માર્ગદર્શનનો મોટો ફાળો છે.
સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાંથી આગળ આવેલી તેજલબેને 2022માં પેરા એથ્લેટિક્સની શરૂઆત કરી હતી. વર્ષ 2025ની વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં છઠ્ઠું સ્થાન મેળવ્યા બાદ તેણે 2026ની રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ અને દુબઈ ગ્રાન્ડ પ્રિક્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.
કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ACTC યોજના હેઠળ તેજલબેનની રમતગમતની તૈયારી માટે રૂ. 2,05,961ની નાણાકીય સહાય આપવામાં આવી છે. જ્યારે SAI ગાંધીનગર ખાતે તેને કોચિંગ, રમતગમતની સુવિધાઓ અને જરૂરી માળખાકીય સહયોગ પૂરો પાડવામાં આવે છે.
શ્રી તેજલબેનની મુખ્ય સ્પર્ધા 400 મીટર T12 છે, હવે આયોજિત થશે. 200 મીટરમાં મળેલા મેડલથી આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવી શ્રી તેજલબહેને આગામી સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી તેજલબહેન દાહોદમાં દૃષ્ટિબાધિત બાળકો માટે દોડનો વિશેષ ટ્રેક બનાવવાનું સ્વપ્ન સેવે છે.