રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના સ્તરને વધુ ઉન્નત બનાવવા અને માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાના ભગીરથ પ્રયાસો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ કડીના ભાગરૂપે, આજરોજ અમરેલી તાલુકાના ટીંબા મુકામે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અંદાજે રૂ. ૫૪ લાખથી વધુની રકમના વિવિધ જનહિત અને શૈક્ષણિક વિકાસકાર્યોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્યો અંતર્ગત ટીંબા ગામની પ્રાથમિક શાળાના આધુનિકીકરણ અને વિદ્યાર્થીઓની સુવિધા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રીશ્રીના હસ્તે કરાયેલા ખાતમુહૂર્ત બાદ હવે શાળામાં કુલ ૦૨ નવા અત્યાધુનિક વર્ગખંડો (ઓરડા), સ્વચ્છતાને પ્રાધાન્ય આપતો શૌચાલય બ્લોક, તેમજ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આધુનિક મધ્યાહન ભોજન રસોડાનું બાંધકામ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત, બાળકોની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપતા સમગ્ર શાળા પરિસરની ફરતે મજબૂત સંરક્ષણ દિવાલ (બાઉન્ડ્રી વોલ) નું નિર્માણ પણ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેવાડાના ગામડાં સુધી ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર કટિબદ્ધ છે. શાળાના આ નવા પ્રકલ્પો પૂર્ણ થતાં જ સ્થાનિક વિદ્યાર્થીઓને ભણવા માટે વધુ સુરક્ષિત, સ્વચ્છ અને પ્રેરણાદાયી વાતાવરણ પ્રાપ્ત થશે.
ટીંબા મુકામે ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.