ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રને ગેરબંધારણીય અને મનઘડત ગણાવી સાવરકુંડલાના એડવોકેટ અને વિદ્યાર્થી નેતા કેતનભાઈ બી. ખુમાણ દ્વારા શિક્ષણ વિભાગના સચિવશ્રી (ગાંધીનગર)ને લેખિત રજૂઆત કરીને આ વિવાદિત પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શિક્ષણ મંત્રીશ્રીને પણ મોકલવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ભારત આઝાદ થયું તે પહેલાથી લઈને આજ સુધી શાળાઓમાં શિક્ષણ, સુવિધાઓ, બાળકોના સર્વાંગી વિકાસ અને મધ્યાહ્ન ભોજન જેવી વિવિધ યોજનાઓની ચકાસણી કરવા માટે વાલીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને વિદ્યાર્થી નેતાઓ અવારનવાર શાળાઓની મુલાકાત લેતા આવ્યા છે.
પરંતુ નવા પરિપત્રના કારણે શાળાના સંચાલકો, શિક્ષકો અને મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને અંકુશ વગરનો છૂટો દોર મળી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે શિક્ષણમાં નિરંકુશતા, ભ્રષ્ટાચાર, સુવિધાઓનો અભાવ તથા અનિચ્છનીય બનાવ વધવાની શક્યતાઓ છે.
વિદ્યાર્થી નેતા કેતનભાઈ ખુમાણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણ કે ભૌતિક સુવિધાઓ મળી રહી છે કે નહીં તેમજ મધ્યાહ્ન ભોજન યોગ્ય રીતે ચાલતું હોવાની સત્યતા સોશિયલ મીડિયા કે સમાજ સમક્ષ ઉજાગર ન થાય તેવા ડરથી આ પરિપત્ર લાવવામાં આવ્યો છે. વાલીઓ, વિદ્યાર્થી આગેવાનો અને જાગૃત નાગરિકોમાં આ નિર્ણય સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો હોવાથી શિક્ષણ વિભાગ આ પરિપત્ર ત્વરિત રદ્દ કરે તેવી માંગણી કરવામાં આવી છે.