હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાત રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના હિત, સુરક્ષા અને ન્યાયી અધિકારો માટે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સમક્ષ એક ગંભીર અને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
તહેવારોની મોસમમાં જ્યારે સમગ્ર રાજ્ય ઉત્સાહમાં હોય છે, ત્યારે TRB જવાનો પોતાની ફરજ અડગ રહીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા હોય છે. આ સંદર્ભે શ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે:
૧. બાકી માનદ વેતનની વહેલી તકે ચૂકવણી: નવરાત્રિ જેવા પવિત્ર અને મુખ્ય તહેવારો દરમિયાન પણ TRB જવાનોના નિયમિત પગાર કે માનદ વેતન સમયસર જમા થતા નથી. જો તહેવારો ટાણે જવાનોને તેમનો પગાર ન મળે, તો તેઓ પોતાના પરિવાર સાથે તહેવાર કેવી રીતે ઉજવી શકે? શું TRB જવાનોને તહેવાર ઉજવવાનો કોઈ અધિકાર નથી? મોડા પગાર મળવાને કારણે આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બને છે.
૨. વધારાના ફરજના કલાકોનું મહેનતાણું: તહેવારો કે વિશેષ પ્રસંગોમાં TRB જવાનોની દૈનિક ફરજના કલાકોમાં વધારો કરવામાં આવે છે. પરંતુ, આ વધારાના કલાકો માટે કોણ અને કેવી રીતે વધારાનું મહેનતાણું કે વળતર ચૂકવશે તે અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા કે નીતિ ન હોવાથી જવાનોમાં અસંતોષ પ્રવર્તે છે.
આ ગંભીર મામલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઈને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરવા અને જરૂરી કાર્યવાહી કરી ઓનલાઈન જવાબ અપલોડ કરવા અંગે નાયબ પોલીસ કમિશ્નરશ્રી (વહીવટ), પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, રાજકોટ શહેરને આદેશો જારી કરવામાં આવ્યા છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર પાસે એવી ભારપૂર્વક અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે, TRB જવાનો પ્રત્યે માનવીય અભિગમ અપનાવીને તહેવારો પહેલાં જ તમામ બાકી નાણાં અને વેતનની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે તથા વધારાના ફરજના કલાકો માટે પારદર્શક માર્ગદર્શિકા વહેલી તકે જાહેર કરવામાં આવે.