ભાવનગરવાસીઓ માટે ગૌરવ અને રોમાંચની અનોખી ક્ષણ સમાન ભારતીય વાયુસેનાનો ભવ્ય ‘સૂર્યકિરણ
એર શો’ આગામી તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે બોરતળાવ ખાતે યોજાશે.
ભાવનગરમાં પ્રથમવાર યોજાનારા આ વિશિષ્ટ આયોજન અંગે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી નિમુબેન બાંભણીયાએ
પ્રેસ કોન્ફરન્સ યોજીને એર શોની વિશેષતાઓ અને નાગરિકોની સહભાગિતા અંગે વિગતો આપી હતી. તેમણે
જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સશસ્ત્ર સેના આધુનિકતા અને
આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહી છે. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનું આ
પ્રદર્શન દેશના શૌર્ય, શિસ્ત, સાહસ અને ટેકનોલોજીકલ ક્ષમતાને નજીકથી નિહાળવાની તક પૂરી પાડશે.
સાથે જ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રબળ બનાવી તેમને સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશસેવા કરવા પ્રેરિત
કરશે.
ભાવનગરમાં આ ભવ્ય આયોજન માટે કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહજીનો આભાર વ્યક્ત કરતાં
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૂર્યકિરણ એરોબેટિક ટીમના નવ હોક એમકે-૧૩૨ જેટ ટ્રેનર વિમાનો આશરે
૩૦થી ૪૦ મિનિટ સુધી આકાશમાં અદભુત હવાઈ કરતબો, શિસ્તબદ્ધ ઉડાન અને ત્રિરંગાના રંગોની આકર્ષક
રચનાઓ રજૂ કરશે. મંત્રીશ્રીએ ભાવનગરના નાગરિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અને
રોમાંચક પ્રદર્શનના સાક્ષી બનવા આહવાન કર્યું હતું. તેમણે એર શો દરમિયાન બાળકો અને વડીલોની
સુરક્ષાનું ધ્યાન રાખવા,ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, શિસ્ત જાળવવા તથા જાહેર સ્થળની સ્વચ્છતા
જાળવવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી યોજાનારા
આ કાર્યક્રમને નાગરિકોના સહકારથી સફળ અને યાદગાર બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કમિશનરશ્રી ડૉ. એન. કે. મીનાએ એર શો સંદર્ભે કરવામાં આવેલી વ્યવસ્થાઓ
અંગે, જ્યારે પોલીસ અધિક્ષકશ્રી નિતેષ પાંડેયે કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે માહિતી આપી હતી.
આ પ્રસંગે મેયરશ્રીમતી ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયરશ્રી અશોકભાઈ બારૈયા, અગ્રણીશ્રી કુમારભાઈ શાહ
સહિત મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.