વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાત મુલાકાતના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં
આગામી તા.૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના
કાર્યક્રમોની તૈયારીઓની જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના ઊર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને
સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મંત્રીશ્રીએ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવવા, તમામ જરૂરી
વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બંને કાર્યક્રમોમાં વધુમાં વધુ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા
અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ જિલ્લા, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગ્રામ્ય
કક્ષાએ યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી.
આ કાર્યક્રમો અંતર્ગત લાભાર્થી ખેડૂતો તથા સામાજિક અગ્રણીઓનું સન્માન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વડાપ્રધાનશ્રીના
કાર્યક્રમનું જીવંત પ્રસારણ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૩૦ ઓક્ટોબરના રોજ ડીસા-ભીલડી ખાતે યોજાનારા ‘પી.એમ. કિસાન ઉત્સવ’ અંતર્ગત
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે તા. ૩૧
ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમો
યોજાશે.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, પ્રાદેશિક
કમિશનરશ્રી સુનિલ, અગ્રણીઓ કુમારભાઈ શાહ અને દિગ્વિજયસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી.
ગોવાણી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
હતા.