પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી
કુંઢેલી : નવરાત્રીએ શક્તિની આરાધના, ભક્તિ અને ભારતીય સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે આવેલી જય જનની વિદ્યાસંકુલ – બપાડા ખાતે નવરાત્રી નિમિત્તે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાસંકુલના આશરે ૨૨૦૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
આ કાર્યક્રમમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થયેલા બાળકોએ તાલબદ્ધ પગલાં, સુંદર લય અને ઉત્સાહ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર સંકુલ ભક્તિમય વાતાવરણ અને ગરબાના તાલથી ગુંજી ઊઠ્યું હતું. બાળકોના ચહેરા પરનો આનંદ, ઉત્સાહ અને ઉમંગ સમગ્ર કાર્યક્રમને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો.
આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો મુખ્ય હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે પ્રેમ જાગૃત કરવો, સામૂહિક ભાવના કેળવવી તથા અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ બાળકોને આગળ વધવાની તક પૂરી પાડવાનો છે.
જય જનની વિદ્યાસંકુલ – બપાડા હંમેશાં શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે. અભ્યાસ, રમતગમત, સંસ્કાર અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સમન્વય દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે.
આમ, ૨૨૦૦ બાળકોની સહભાગિતાથી યોજાયેલો આ ભવ્ય રાસ-ગરબાનો કાર્યક્રમ નવરાત્રીના પવિત્ર પર્વને યાદગાર બનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતનનો સુંદર સંદેશ આપી ગયો હતો.
"શિક્ષણની સાથે સંસ્કાર, સંસ્કૃતિની સાથે સહકાર અને પરંપરાની સાથે પ્રગતિ — એ જ જય જનની વિદ્યાસંકુલની ઓળખ બની છે.