રાજકોટ ગુજરાતની 17,000થી વધુ સ્વનિર્ભર શાળાઓના હિત, સ્વાયત્તતા અને અધિકારોના રક્ષણ માટે મહામંડળ દ્વારા રાજ્યવ્યાપી અસહકાર આંદોલનની ચીમકી. સરકાર અને શિક્ષણ વિભાગ તાત્કાલિક પડતર પ્રશ્નોનો ઉકેલ લાવે, અન્યથા રાજ્યવ્યાપી અસહકાર આંદોલન
ગુજરાત રાજ્યની_17,000થી વધુ સ્વનિર્ભર શાળાઓના હિત, અધિકારો, સ્વાયત્તતા અને અસ્તિત્વના રક્ષણ માટે કાર્યરત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, ગુજરાત રાજ્ય દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતાં રાજ્યભરના શાળા સંચાલકોમાં ભારે નારાજગી વ્યાપી છે.
મહામંડળના પ્રમુખશ્રી જતીનભાઈ ભરાડએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું એ સરકાર અને શિક્ષણ વિભાગની જવાબદારી છે. ગુજરાતની હજારો સ્વનિર્ભર શાળાઓ શિક્ષણ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ત્યારે તેમની સ્વાયત્તતા અને કાયદેસરના અધિકારોને અસર કરતા પ્રશ્નો અંગે સરકાર તાત્કાલિક સકારાત્મક અભિગમ અપનાવે અને મહામંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ન્યાયસંગત ઉકેલ લાવે. અન્યથા શાળા સંચાલકોને પોતાના હકોના રક્ષણ માટે સંગઠિત થઈ લોકશાહી માર્ગે અસહકાર આંદોલન કરવાની ફરજ પડશે.મહામંડળના અધ્યક્ષશ્રી ભરતભાઈ ગાજીપરા અને ઉપાધ્યક્ષશ્રી અવિનાશભાઈએ રાજ્યની તમામ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને સંગઠનની એકતા જાળવવા અને મહામંડળના ન્યાયસંગત હિતોની લડતમાં એકજૂથ બની સહકાર આપવા આહવાન કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે આ લડત કોઈ એક વ્યક્તિ કે સંસ્થાના વ્યક્તિગત હિત માટે નથી, પરંતુ ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના અસ્તિત્વ, સ્વાયત્તતા, અધિકારો અને ભવિષ્યના રક્ષણ માટેની સામૂહિક લડત છે. સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો સંગઠિત શક્તિ દ્વારા લોકશાહી માર્ગે પોતાનો અવાજ બુલંદ કરવો સમયની માંગ છે.તમામ શાળા સંચાલકોને મહામંડળના કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થવા, સંગઠનની સૂચનાઓનું પાલન કરવા અને શાળાઓના હિતના રક્ષણ માટે એકતા જાળવવા તેમણે અપીલ કરી છે.
શિક્ષણ સુધારા વિધેયક–2026 અંગે શાળા સંચાલકોમાં ચિંતા મહામંડળના મહામંત્રીશ્રી મનહર રાઠોડએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક–2026 અંગે સ્વનિર્ભર શાળા સંચાલકોમાં અનેક પ્રશ્નો અને ચિંતાઓ છે. વિધેયકમાં રહેલી વિસંગતતાઓનું નિરાકરણ લાવી શાળાઓની સ્વાયત્તતા, વહીવટી અધિકારો અને શૈક્ષણિક સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.
શાળા સંચાલકોના પ્રતિનિધિઓ સાથે પૂરતી ચર્ચા કર્યા વિના શાળાઓને અસર કરતા નિર્ણયો લેવામાં આવે તો શિક્ષણ ક્ષેત્રમાં અનિશ્ચિતતા ઊભી થઈ શકે છે. તેથી સરકાર વિધેયક અંગેના વાંધાઓની સમીક્ષા કરી મહામંડળ સાથે તાત્કાલિક બેઠક યોજે તેવી માંગ કરવામાં આવી છે.
FRCની જટિલતાઓનો ઉકેલ લાવવાની માંગ
ફી રેગ્યુલેટરી કમિટી (FRC) સંબંધિત પ્રક્રિયાઓ, ફી દરખાસ્તો અને દસ્તાવેજી કામગીરી અંગે શાળા સંચાલકોને પડતી મુશ્કેલીઓનો પણ તાત્કાલિક ઉકેલ જરૂરી છે. ફી નિયંત્રણની વ્યવસ્થા પારદર્શક, વ્યવહારુ, સમયબદ્ધ અને ન્યાયસંગત બને તથા શાળાઓની વાસ્તવિક જરૂરિયાતોને યોગ્ય મહત્ત્વ આપવામાં આવે તેવી મહામંડળની માંગ છે.
મહામંડળના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખશ્રી અજય પટેલના માર્ગદર્શન હેઠળ આગામી તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓનું મહાસંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના સ્વનિર્ભર શાળા સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાઓના પડતર પ્રશ્નો, સ્વાયત્તતા અને અધિકારો અંગે સંગઠિત રજૂઆત કરશે.ઝોનના તમામ શાળા સંચાલકોને એકતા સાથે સંમેલનમાં ભાગ લેવા અને મહામંડળની લડતને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના આ મહાસંમેલન બાદ રાજ્યના અન્ય ઝોનમાં પણ સંમેલનો યોજી સરકાર સમક્ષ પ્રશ્નોને વધુ સંગઠિત રીતે રજૂ કરવામાં આવશે. દિવાળી બાદ ગાંધીનગર ખાતે સામૂહિક રજૂઆતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.મહામંડળની મુખ્ય માંગણીઓ (૧)સ્વનિર્ભર શાળાઓના તમામ પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવે.(૨) શિક્ષણ સુધારા વિધેયક–2026 અંગેની વિસંગતતાઓ અને શાળા સંચાલકોના વાંધાઓનું નિરાકરણ લાવવામાં આવે.
(૩)સ્વનિર્ભર શાળાઓની સ્વાયત્તતા, કાયદેસરના અધિકારો અને શૈક્ષણિક કામગીરીનું રક્ષણ કરવામાં આવે.(૪) FRCની પ્રક્રિયાઓ સરળ, પારદર્શક, સમયબદ્ધ અને ન્યાયસંગત બનાવવામાં આવે.
(૫) શાળાઓને અસર કરતા નીતિગત નિર્ણયો પહેલાં મહામંડળના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવે.
રાજ્યવ્યાપી અસહકાર આંદોલનની ચીમકી
મહામંડળના મહામંત્રીશ્રી મનહર રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે જો મહાસંમેલનો અને સામૂહિક રજૂઆતો બાદ પણ સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તથા મહામંડળ સાથે યોગ્ય ચર્ચા કરવામાં નહીં આવે, તો મહામંડળના પરિપત્રમાં જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તા. 9 અને 10 ડિસેમ્બર, 2026ના રોજ રાજ્યવ્યાપી બે દિવસ શાળાઓ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવશે.
મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે આ લડત કોઈ વ્યક્તિગત હિત માટે નથી, પરંતુ ગુજરાતની તમામ સ્વનિર્ભર શાળાઓના અસ્તિત્વ, સ્વાયત્તતા, અધિકારો અને ભવિષ્યના રક્ષણ માટેની સામૂહિક લડત છે. આંદોલનમાં જોડાનાર શાળાઓને સંગઠનાત્મક સહયોગ આપવા મહામંડળ કટિબદ્ધ છે.
સરકાર સમક્ષ મહામંડળનો સ્પષ્ટ સંદેશ
મહામંડળ સરકાર અને શિક્ષણ વિભાગને અપીલ કરે છે કે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં તાત્કાલિક સંવાદ શરૂ કરી તમામ પડતર પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે. હજારો શાળાઓ સાથે જોડાયેલા સંચાલકો, શિક્ષકો અને કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને નક્કર નિર્ણય લેવામાં આવે.
હવે માત્ર આશ્વાસનો નહીં, પરંતુ નક્કર નિર્ણય અને સમયબદ્ધ અમલીકરણ જરૂરી છે.
સરકાર સકારાત્મક અભિગમ અપનાવી પ્રશ્નોનું નિરાકરણ લાવશે તો સંવાદથી ઉકેલ શક્ય છે. અન્યથા ગુજરાતની સ્વનિર્ભર શાળાઓના હિતના રક્ષણ માટે મહામંડળ સંગઠિત અને લોકશાહી માર્ગે આંદોલન આગળ વધારશે