શિયાળુ ઋતુની શરૂઆત સાથે જ જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીની તૈયારીઓ અને વાવણીનો ધમધમાટ શરૂ થવામાં છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતો અતિશય મહત્વપૂર્ણ એવા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતા હોય છે. ખેડૂતો છેતરપિંડીથી બચે અને પાકનું ઉત્પાદન સુરક્ષિત રહે તે હેતુસર, ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ખેડૂતોને ખરીદી બાબતે વિશેષ સાવચેતી રાખવા માટે એક નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
અસલી અને અધિકૃત સ્ત્રોતથી જ ખરીદી કરો
મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેતી માટે જરૂરી એવા આ તમામ ઇનપુટ્સની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સરકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી હિતાવહ છે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે લાયસન્સ વગરના ફેરીયાઓ, અજાણ્યા વેપારીઓ કે અન્ય લેભાગુ તત્વો પાસેથી ખરીદી કરવાનું ટાળવું જોઈએ.
ખરીદી કરતી વખતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખો
વેપારી પાસેથી ખરીદી કરતી વખતે લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ તેમજ લોટ નંબર સ્પષ્ટ દર્શાવતું પાકું બિલ વેપારીની સહી સાથે અવશ્ય મેળવી લેવું.
મુદત (એસ્પાયરી ડેટ) પૂરી થઈ ગઈ હોય તેવા બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદી ક્યારેય ન કરવી.
ખેતીમાં હંમેશાં વૈજ્ઞાનિક ભલામણો અને નિષ્ણાતોના માર્ગદર્શન મુજબ જ બિયારણ, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો.
જો સાવરકુંડલા શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય પણ અનધિકૃત રીતે, શંકાસ્પદ કે ભળતા નામે અમાન્ય બિયારણ, ખાતર કે જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાને આવે, તો ખેડૂતોએ ત્વરિત ધોરણે સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), અમરેલીનો સંપર્ક કરી તેની જાણ કરવા અનુરોધ કરાયો છે.
*ખેડૂતોની જાગૃતિ જ સમૃદ્ધ ખેતીની સાચી ચાવી છે, જેથી શિયાળુ સીઝનમાં દરેક ખેડૂત મિત્રોએ સાવચેતીપૂર્વક ખરીદી કરવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.*