અમરેલી વિધાનસભા ક્ષેત્રના વડેરા ગામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી ભરતભાઈ સુતારિયાના હસ્તે અંદાજિત રૂ. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત થનારા માઇનોર બ્રિજના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યથી ગ્રામ્ય વિસ્તારની પરિવહન સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.
વડેરા ગામે માઇનોર બ્રિજનું નિર્માણ પૂર્ણ થવાથી ગ્રામજનોને ચોમાસા દરમિયાન તેમજ સામાન્ય દિવસોમાં આવાગમન માટે પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ મળશે. આ પુલના નિર્માણથી અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બનશે, જેના પરિણામે ગ્રામજનોને રોજિંદા જીવનમાં મોટી રાહત મળશે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓના વિકાસ અને નાગરિકોને સુરક્ષિત પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યાં છે. વડેરા ગામે માઇનોર બ્રિજનું નિર્માણકાર્ય સ્થાનિક લોકોની સુવિધામાં વધારો કરવાની સાથે વિસ્તારના માળખાકીય વિકાસને પણ વેગ આપશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ડેનીભાઈ પરમાર, સરપંચ શ્રી ભરતભાઈ હપાણી, અગ્રણીશ્રીઓ નિકુલભાઈ માંડણકા અને પ્રવિણભાઈ માંગરોળિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.