• SIR પ્રક્રિયા દ્વારા ૧૩ કરોડથી વધુ મતદારોનાં નામ કમી કરાયાં હોવાનો આક્ષેપ, મતદાર યાદીઓની પારદર્શક ચકાસણીની માંગ : શ્રી પૃથ્વીરાજ ચૌહાણ
• મતદાનનો અધિકાર લોકશાહીનો પાયો છે, મતદારનો અધિકાર કોઈ છીનવી ન શકે : શ્રી પૃથ્વીરાજ ચૌહાણ
• વોટ બચાવો - દેશ બચાવો અભિયાનથી દેશના લોકોના મતના અધિકારનું રક્ષણ કરીશું : શ્રી પૃથ્વીરાજ ચૌહાણ
• મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારને હટાવી તેમના પર ફોજદારી કાર્યવાહી કરો : શ્રી પૃથ્વીરાજ ચૌહાણ
• ગુજરાતના લોકોના વોટના અધિકારની ચોરી રોકવા કોંગ્રેસ દ્વારા બુથ દીઠ વોટ રક્ષક બનાવાશે:શ્રી અમિત ચાવડા
• ચૂંટણી પંચની સાંઠગાંઠથી વોટ ચોરી થકી ચૂંટણીઓ જીતીને ભાજપે દેશમાં લોકશાહી ખતમ કરવાનો કારસો કર્યો
: શ્રી અમિત ચાવડા
• ગુજરાતમાંથી ૧૦ લાખથી વધુ લોકોએ “વોટ ચોર, ગાદી છોડ” સહી ઝુંબેશમાં ભાગ લઈને લોકશાહી બચાવવાની માંગણીને સમર્થન આપ્યું છે : શ્રી અમિત ચાવડા
• ભાજપ - ચૂંટણીપંચની મીલીભગતથી ચાલતી વોટ ચોરી પકડાઈ જતા ચોરી છુપાવવા ભાજપ આંદોલન કરે એ શરમજનક : શ્રી અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજીવ ગાંધી ભવન ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન શ્રી પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદને સંબોધતાં દેશભરમાં મતદાર યાદીઓમાં ગેરરીતિઓ અને મતદારોના નામ કમી થવાના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘વોટ બચાવો, દેશ બચાવો’ દેશવ્યાપી અભિયાન અંતર્ગત યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં જનતાને પોતાની પસંદગીની સરકાર ચૂંટવાનો અધિકાર સર્વોપરી છે અને આ અધિકારનું રક્ષણ કરવું દરેક લોકશાહીપ્રેમી નાગરિકની જવાબદારી છે.
શ્રી પૃથ્વીરાજ ચૌહાણે આક્ષેપ કર્યો હતો કે તાજેતરની વિવિધ ચૂંટણીઓનાં પરિણામો અને મતદાર યાદીઓના વિશ્લેષણ દરમિયાન અનેક ગંભીર વિસંગતતાઓ સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી દ્વારા હરિયાણા સહિત વિવિધ રાજ્યોની મતદાર યાદીઓ અંગે રજૂ કરવામાં આવેલા વિશ્લેષણમાં એક જ ફોટાનો વારંવાર ઉપયોગ (જેમાં હરિયાણામાં બ્રાઝિલિયન અભિનેત્રીના ફોટાનો ઉપયોગ પણ સામે આવ્યો હતો), નામોમાં વિસંગતતા અને મતદાર યાદીની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા થયા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાર યાદીની પ્રક્રિયામાં થતી આવી ગેરરીતિઓ ચૂંટણીની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે.
SIR પ્રક્રિયા અને ફોર્મ-૬ ની જટિલતા પર આક્ષેપ
SIR એટલે કે મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અંગે તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં મોટી સંખ્યામાં મતદારોનાં નામ કમી કરવામાં આવ્યાં છે. તેમના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા દ્વારા ૩૦ રાજ્યોમાંથી ૧૩ કરોડથી વધુ નામ દૂર કરવામાં આવ્યાં હોવાનો કોંગ્રેસનો દાવો છે. ખાસ કરીને નવા મતદારો માટેના 'ફોર્મ ૬' માં એવા અસંવેદનશીલ ફેરફારો કરાયા છે કે ૧૮ વર્ષના યુવાનને ૨૫ વર્ષ પહેલાં (૨૦૦૩માં) તેમના માતા-પિતા કે દાદા-દાદીએ કયા બૂથ પરથી વોટ કર્યો હતો તેની વિગતો પૂછવામાં આવે છે, જેના કારણે લાખો લાયક યુવાનો મતદાનના અધિકારથી વંચિત રહી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદાર યાદીમાંથી કોઈ પાત્ર નાગરિકનું નામ ખોટી રીતે દૂર ન થાય અને દરેક લાયક મતદારને મતદાનનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. વૃદ્ધો, યુવાનો, ગરીબો અને વંચિત વર્ગના નાગરિકો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે કોંગ્રેસના કાર્યકરોને બૂથસ્તરે સક્રિય થવા તેમણે અપીલ કરી હતી.
ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા અને કાયદાકીય ફેરફાર સામે સવાલ
ચૂંટણી પંચની નિમણૂક પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા લોકશાહીના પાયાના સ્તંભ છે. ડિસેમ્બર ૨૦૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરીને સુપ્રીમ કોર્ટે સૂચવેલી સમિતિમાંથી સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશને હટાવીને કેબિનેટ મંત્રી (અમિત શાહ) ને સામેલ કરવામાં આવ્યા, જેનાથી ચૂંટણી પંચની સ્વાયત્તતા સામે ગંભીર સંકટ ઊભું થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકે ગ્ઞાનેશ કુમાર ત્યાં બેઠા છે, ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથી, કારણ કે તેઓ માત્ર વર્તમાન શાસકોના કહેવા પર જ ચૂંટણી પ્રક્રિયા ચલાવી રહ્યા છે. કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે ગ્ઞાનેશ કુમારને તાત્કાલિક હટાવવામાં આવે, ચૂંટણી આયોગની નિમણૂક પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવે, કાનૂન બદલવામાં આવે અને જેમણે પણ ગલત કામ કર્યું છે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડી ન થાય તે માટે ફરીથી બેલેટ પેપર પર વોટિંગ શરૂ કરવામાં આવે.
વિદેશનીતિની નિષ્ફળતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી
કેન્દ્ર સરકારની વિદેશનીતિની આલોચના કરતા તેમણે જણાવ્યું હતું કે દેશની વિદેશનીતિ સંપૂર્ણપણે અસફળ રહી છે. પાકિસ્તાન આપણાથી આગળ નીકળી ગયું છે, અરુણાચલ પ્રદેશમાં ચીન ઘૂસી ગયું છે અને લદ્દાખ ચીન માગી રહ્યું છે, છતાં સરકાર એવું રટણ કરે છે કે કોઈ ઘૂસ્યું જ નથી. રાહુલ ગાંધીજી સ્પષ્ટપણે કહે છે કે પ્રધાનમંત્રી કોમ્પ્રોમાઈઝ્ડ છે અને અમેરિકા તેમના પર દબાવ નાખી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી જ્યારે ભારત આવે છે ત્યારે દિલ્હી જવાને બદલે સીધા મુંબઈ અંબાણી સેન્ટર જાય છે અને વિદેશ મંત્રી જયશંકરે મુંબઈ દોડી જવું પડે છે. બીજી તરફ અમેરિકાના ઉદ્યોગપતિ ઈલોન મસ્ક કહે છે કે તમારા પ્રધાનમંત્રી તો મુકેશ અંબાણી છે, જે આપણા દેશ માટે અત્યંત શરમજનક અને ખતરનાક સ્થિતિ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ - ચૂંટણીપંચની મીલીભગતથી ચાલતી વોટ ચોરી પકડાઈ જતા ચોરી છુપાવવા ભાજપ આંદોલન કરે એ શરમજનક બાબત છે. દેશના બંધારણે દરેક નાગરિકને એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપ્યો છે, જે માત્ર મતાધિકાર નથી પરંતુ આ દેશની લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી પણ છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની નિષ્પક્ષતા, તટસ્થતા અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊઠતા આવ્યા છે. અનેક પુરાવાઓ સામે આવ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આદરણીય રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશના મનમાં રહેલી ચૂંટણી પ્રક્રિયા સંબંધિત શંકાઓને પુરાવા સાથે ઉજાગર કરી, વોટચોરીના નેક્સસને ખુલ્લું પાડ્યું, તે લોકશાહી માટે ઐતિહાસિક ક્ષણ છે. ૭ ઓગસ્ટ ૨૦૨૫ની તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકમાં થયેલી વોટચોરીના તથ્યો રજૂ કર્યા, પરંતુ ચૂંટણી પંચ ચૂપ રહ્યું. બીજી તરફ, સરકાર અને ભાજપના નેતાઓ ખોટા આક્ષેપો કરીને વિમુખ કરવાનો પ્રયાસ કરતા રહ્યા. ૫ નવેમ્બર ૨૦૨૫ની બીજી પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણાની મતદાર યાદીમાં વિદેશી અભિનેત્રીના ફોટા સાથે ૨૨ વખત નામ નોંધાયેલાનું ખુલાસા થયા, હજારો ખોટા મતદારો મળી આવ્યા. તે આખા દેશમાં હાઈડ્રોજન બોમ્બ સમાન સાબિત થયું છતાં ચૂંટણી પંચ ફરી પણ ચૂપ.
ગુજરાતમાં પણ વોટચોરીને લઈને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગંભીર કામ થયું. નવસારી લોકસભા (કે જેમાંથી ચૂંટાઈને સી.આર. પાટીલ આજે કેન્દ્રના મંત્રી છે) ના ચોર્યાસી વિધાનસભા વિસ્તારના ૪૦% મતદારોની ચકાસણી કરતા ૧૨% મતદારો ખોટા કે શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું. રાજ્યભરમાં આ રેશિયો પ્રમાણે ૬૦ લાખથી વધારે ખોટા મતદારો હોવાની તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ અમારી રજૂઆતને ભાજપ અને ચૂંટણીપંચ સતત નકારી રહ્યા હતા. આજે ખુદ ચૂંટણી પંચે સ્વિકાર્યું છે કે, એસઆઇઆર પ્રક્રિયામાં કુલ ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો પૈકી ૧૪.૬૧% એટલે ૭૪ લાખથી વધારે મતદારો હયાત નથી, મૃત્યુ પામેલા છે, ડુપ્લિકેટ છે અથવા સ્થળાંતરિત છે તેવું જાહેર કરીને અમારા મુદ્દાને સાચો સાબિત કર્યું છે. આનો સ્પષ્ટ અર્થ છે કે ગુજરાતમાં ૨૦૦૨થી અત્યાર સુધીની ભાજપ દ્વારા જીતેલી દરેક ચૂંટણીમાં ૧૪% જેટલી વોટચોરી થઈ છે.
રાષ્ટ્રવ્યાપી આંદોલન ‘વોટ બચાવો, દેશ બચાવો’
- ૨૫ ઓક્ટોબર: દેશભરમાં રાષ્ટ્રવ્યાપી પત્રકાર પરિષદનો પ્રારંભ.
- ૧ નવેમ્બર: દિલ્હીના રામલીલા મેદાન ખાતે વિશાળ દેશવ્યાપી રેલીનું આયોજન.
- સમગ્ર ગુજરાતમાં વોટ રક્ષકની નિમણુંક કરવામાં આવશે.
- બૂથદીઠ 'ચોપાલ મીટીંગો' યોજીને જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
લોકશાહીમાં સરકાર સામે અસહમતિ વ્યક્ત કરવી અને પોતાના અધિકારો માટે શાંતિપૂર્ણ આંદોલન કરવું નાગરિકોનો અધિકાર છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહના માર્ગે કોંગ્રેસ આ અભિયાન આગળ ધપાવશે અને મતદારોના અધિકારોનું રક્ષણ થાય તથા ચૂંટણી પ્રક્રિયા પર જનતાનો વિશ્વાસ જળવાઈ રહે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે..