શારદીય નવરાત્રી દરમિયાન મહાઅષ્ટમીની તિથિ, હવન અને માતાજીના નૈવેદ્ય (નિવેદ) ક્યારે કરવા તે અંગે શ્રદ્ધાળુઓમાં જોવા મળતી દ્વિધા વચ્ચે પ્રકાંડ જ્યોતિષાચાર્યો અને સંસ્કૃત વિદ્વાનો દ્વારા શાસ્ત્રોક્ત નિવારણ કરવામાં આવ્યું છે. શાસ્ત્ર આધારિત નિર્ણયસિંધુના નિયમો મુજબ રવિવારને બદલે આજે સોમવાર, ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ જ મહાઅષ્ટમીનો હવન અને નૈવેદ્ય કરવા શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ પૂર્ણપણે શુદ્ધ અને ઉત્તમ જણાવવામાં આવ્યા છે.
શાસ્ત્રી શ્રી જિતેન્દ્રભાઈ દિનકરરાય ખીરા (ભાગવતાચાર્ય જ્યોતિષ) તેમજ શાસ્ત્રી અનિલભાઈ ખીરા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, શાસ્ત્રોમાં 'ઉદયવ્યાપિની' એટલે કે સૂર્યોદય સમયે હાજર હોય તેવી તિથિને જ સંકલ્પ અને પૂજા-અર્ચના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
૧૮ ઓક્ટોબર (રવિવાર): સવારે ૦૮:૨૯ વાગ્યા સુધી સપ્તમી (સાતમ) હતી અને ત્યારબાદ આઠમ શરૂ થઈ હતી. શાસ્ત્ર મુજબ સપ્તમીયુક્ત આઠમ (વિદ્ધા આઠમ) પૂજન માટે અશુભ ગણાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સપ્તમીયુક્ત આઠમની પૂજા કરવાથી શોક અને પીડા પ્રાપ્ત થાય છે. આથી રવિવારે હવન કે નૈવેદ્ય કરવા શાસ્ત્રસંમત ન હતા.
૧૯ ઓક્ટોબર (સોમવાર): આજે સવારે ૧૦:૫૨ વાગ્યા સુધી આઠમ તિથિ વિદ્યમાન છે. સૂર્યોદય સમયે આઠમ તિથિ હાજર હોવાથી અને તે નવમી સાથે જોડાયેલી (નવમીયુક્ત) હોવાથી આ ઉદયાત આઠમ અત્યંત શુભ, પવિત્ર અને પૂજનીય છે. સૂર્યોદય પછી એક ઘટી (૨૪ મિનિટ) પણ જો આઠમ હોય, તોપણ તે જ તિથિ સ્વીકારવી ઉત્તમ માનવામાં આવે છે.
સાવરકુંડલા ગુરુકુળના ભૂતપૂર્વ સંસ્કૃત શિક્ષક અને હાલ સોમનાથ ખાતે નિવાસ કરતા પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ શ્રી મધુકાંત પાઠક સાહેબે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જ શાસ્ત્રોક્ત મત રજૂ કરીને લોકોને સાચું માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
*જોકે, યોગ્ય માહિતીના અભાવે ગઈકાલે રવિવારે પણ કેટલાક લોકોએ નૈવેદ્ય કર્યા હોવાના અહેવાલ છે, પરંતુ ધાર્મિક અને શાસ્ત્રીય પરંપરા મુજબ આજે સોમવારે તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ બપોરે તથા રાત્રિના નૈવેદ્ય તેમજ આઠમનો હવન કરવો જ સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત અને શ્રેષ્ઠ છે.*
મહાઅષ્ટમીના પવિત્ર દિવસે બ્રહ્માંડમાં દૈવી શક્તિઓ સક્રિય હોય છે, તેથી તમામ ભક્તોને આજે જ વિધિવત્ માતાજીનું પૂજન-અર્ચન કરી નૈવેદ્ય ધરવા અપીલ કરવામાં આવી હતી.