તહેવારોની મોસમ શરૂ થતાં જ બજારોમાં ગળપણ અને ફરસાણની માંગમાં ભારે વધારો જોવા મળે છે, ત્યારે સાવરકુંડલા ખાતે લોકઆરોગ્ય સાથે થઈ રહેલા ખીલવાડ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં સસ્તા ભાવની અને ભેળસેળયુક્ત મીઠાઈઓનું વેચાણ થવાની શક્યતા હોય તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક ચેકિંગ અને દરોડા પાડવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
જિલ્લા કક્ષાએ પૂરતા પ્રમાણમાં ફૂડ ઇન્સ્પેક્ટરો કે સેફ્ટી ઓફિસરો ન હોવાના કારણે આવા ભેળસેળ કરનાર તત્વોને મોકળું મેદાન મળી ગયું છે. શાકભાજીમાં હાનિકારક પેસ્ટીસાઈડનું પ્રમાણ હોય કે પછી મરી-મસાલા, મીઠાઈઓ અને ફરસાણમાં થતી ભેળસેળ, આ તમામ બાબતો સીધી જ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહી છે. લોકઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકારે યુદ્ધના ધોરણે કડક પગલાં ભરીને ત્વરિત લેબોરેટરી પરીક્ષણ અને કડક દંડની જોગવાઈ કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સમક્ષ નીચે મુજબની ખાસ માંગણીઓ રજૂ કરવામાં આવી છે:
શહેરની તમામ મીઠાઈની દુકાનો, ફરસાણ ગૃહ અને ગોડાઉનો પર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવે અને ગુણવત્તા ચકાસવા માટે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવે.
કોઈપણ જાતના લાયસન્સ વગર, અસ્વચ્છતા અને ગંદકી વચ્ચે ધમધમતા તેમજ અખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ અને એકમો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.
તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે સઘન પેટ્રોલીંગ અને નિરીક્ષણ માટે એક ખાસ સ્ક્વોડ બનાવવામાં આવે.
તહેવારોના સમયમાં નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમાય નહીં અને તંત્ર દ્વારા અગાઉથી જ સઘન પગલાં લેવાય તેવી લોકમાં સૂર ઉઠી રહ્યો છે. ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા પણ આ સંદર્ભ લોક જાગૃતિ લાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. લોકોમાં જાગૃતિ કેળવાય તો પણ ઘણે અંશે ભેળસેળ અને હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્યપદાર્થ પર અંકુશ આવી શકે તેમ છે