2018થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલું દંપતી, નવરાત્રિ અને દિવાળીમાં દીવડા-કોડિયાંની ભારે માંગ, ગ્રાહકો આપે છે એડવાન્સ ઓર્ડર
અમરેલી: પરંપરાગત ખેતીની સાથે આવકના નવા રસ્તા શોધવાની વાત આવે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત દંપતીએ અનોખી પહેલ કરી છે. આ દંપતી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી વિવિધ ઉત્પાદનો તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. ખાસ કરીને નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન ગાયના છાણમાંથી બનાવવામાં આવતા આકર્ષક ડિઝાઇનવાળા દીવડા અને કોડિયાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. તેમની આગવી કારીગરીના કારણે ગ્રાહકો અગાઉથી ઓર્ડર આપીને દીવડા અને કોડિયાં ખરીદી રહ્યા છે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામના ખેડૂત ભરતભાઈ ચોવટીયા વર્ષ 2018થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેતીમાં ગાયનું મહત્ત્વ સમજીને તેમણે ચારથી વધુ ગાયો રાખી છે. ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને વિવિધ ઉત્પાદનો તૈયાર કરવાની શરૂઆત કરી હતી. સમય જતાં આ કાર્ય તેમની આવકનો વધારાનો સ્ત્રોત બન્યું છે.
ગાયના છાણમાંથી બનાવે છે આકર્ષક દીવડા અને કોડિયાં
નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં દીવડા અને કોડિયાંની માંગ વધતી હોય છે. આ માંગને ધ્યાનમાં રાખીને ભરતભાઈ ચોવટીયા અને તેમનાં પત્ની ગાયના છાણમાંથી અલગ અલગ ડિઝાઇન અને પેટર્નવાળા દીવડા તથા કોડિયાં તૈયાર કરે છે. સામાન્ય માટીના દીવડાથી અલગ દેખાતા આ દીવડાઓને આકર્ષક બનાવવા માટે તેઓ તેમાં વિવિધ રંગોનો ઉપયોગ કરે છે.
ખાસ વાત એ છે કે દીવડા અને કોડિયાંને રંગવા માટેના રંગ પણ તેઓ પોતાની રીતે તૈયાર કરે છે. ત્યારબાદ દીવડાઓને સુંદર ડિઝાઇન આપીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત તહેવારોમાં પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવા ઇચ્છતા લોકો માટે આ ઉત્પાદનો એક અલગ વિકલ્પ બની રહ્યાં છે.
ખેતીની સાથે દર મહિને હજારો રૂપિયાની વધારાની આવક
ખેડૂત ભરતભાઈ ચોવટીયાના જણાવ્યા અનુસાર, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવતા વિવિધ ઉત્પાદનોના વેચાણથી તેઓ મહિને અંદાજે 30થી 40 હજાર રૂપિયાની આવક મેળવે છે. આમ, ખેતીની સાથે પશુપાલન અને ગાય આધારિત ઉત્પાદનો તૈયાર કરવાના વ્યવસાયથી પરિવારને વધારાની આવક મળી રહી છે.
અમરેલીથી અમદાવાદ, વડોદરા અને સુરત સુધી માંગ
ઝરખીયા ગામના આ દંપતી દ્વારા તૈયાર કરવામાં આવતા દીવડા અને કોડિયાંની માંગ માત્ર અમરેલી જિલ્લા પૂરતી મર્યાદિત નથી. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાંથી પણ તેમના ઉત્પાદનો માટે ઓર્ડર મળી રહ્યા હોવાનું જણાવાયું છે. તહેવારો દરમિયાન માંગ વધતી હોવાથી ગ્રાહકો અગાઉથી ઓર્ડર આપીને ખરીદી કરવાનું પસંદ કરે છે.
આમ, ઝરખીયા ગામના ભરતભાઈ ચોવટીયા અને તેમનાં પત્નીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની સાથે પરંપરાગત તહેવારોને અનુરૂપ ઉત્પાદનો તૈયાર કરીને આવકનો નવો માર્ગ ઊભો કર્યો છે. તેમનો આ પ્રયાસ ખેતીની સાથે પશુપાલન અને ગાયના છાણ-ગૌમૂત્રના ઉપયોગ દ્વારા વધારાની આવક મેળવવા ઇચ્છતા ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે.