બાબરકોટના બાજરાની મીઠાશના દેશભરમાં વખાણ, 700 વીઘા જમીનમાં થાય છે વાવેતર
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના દેશી બાજરાની મીઠાશ અને ગુણવત્તાના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે. બાબરકોટ અને આસપાસનાં સાત ગામોમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે. આ બાજરાની વિશેષતા એવી છે કે ખેડૂતોને પાક તૈયાર થયા બાદ તેનું વેચાણ કરવા માટે બજારમાં ભટકવું પડતું નથી, પરંતુ વાવેતરની સિઝન દરમિયાન જ ખરીદીના ઓર્ડર મળવા લાગે છે. દેશી બાજરાની વધતી માંગને કારણે આ વિસ્તારના ખેડૂતો માટે બાજરાની ખેતી આવકનું મહત્વનું સાધન બની રહી છે.
બાબરકોટ સહિત આસપાસનાં સાત ગામોમાં અંદાજે 700 વીઘા જમીનમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે બાબરકોટના બાજરાના ભાવ અંદાજે રૂ. 2,200થી રૂ. 2,500ની આસપાસ બોલાઈ રહ્યા છે. જ્યારે અગાઉના ભાવની વાત કરીએ તો ગુણવત્તા અને બજારની સ્થિતિ પ્રમાણે રૂ. 2,500થી રૂ. 3,000 સુધીના ભાવ પણ જોવા મળ્યા છે. જોકે, ભાવમાં પાકની ગુણવત્તા અને બજારની માંગ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.
દરિયાઈ હવા અને જમીન બાજરાની વિશેષતા
બાબરકોટના બાજરાની વિશેષતા પાછળ અહીંનું હવામાન અને જમીન મહત્વનો ભાગ ભજવે છે. દરિયાકાંઠાની નજીક આવેલા આ વિસ્તારમાં દરિયાઈ મોજાં સાથે આવતી ક્ષારયુક્ત હવા બાજરાના ડુંડાને સ્પર્શે છે. સ્થાનિક ખેડૂતોના મતે, આ વિસ્તારનું હવામાન અને જમીનની પરિસ્થિતિ બાજરાના પાક માટે અનુકૂળ છે. ખાસ કરીને પથરાળ અને સ્થાનિક રીતે ઓળખાતી પાણા જેવી જમીનમાં બાજરાનું સારું ઉત્પાદન થતું હોવાનું ખેડૂતો જણાવે છે.
આ બાજરાની મીઠાશ તેની આગવી ઓળખ બની છે. દેશી બાજરામાંથી તૈયાર થતા રોટલાનો સ્વાદ લોકોને ખૂબ પસંદ પડે છે. ખાસ કરીને ગરમાગરમ બાજરાના રોટલા ઉપર માખણ મૂકવામાં આવે ત્યારે તેની મીઠાશ અને સ્વાદ વધુ આકર્ષક બને છે. આ જ કારણસર બાબરકોટના બાજરાની માંગ સ્થાનિક બજાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ રહે છે.
ચાર મહિનામાં પાક તૈયાર, એક વીઘે 25 મણ સુધીનો ઉતારો
બાબરકોટના ખેડૂત પીઠાભાઈ નકુમે જણાવ્યું હતું કે, બાબરકોટના બાજરાની દેશભરમાં આગવી ઓળખ છે. અહીંના ખેડૂતો બાજરાનું વાવેતર કરીને સારી આવક મેળવવાનો પ્રયાસ કરે છે. બાજરાનો પાક તૈયાર થતાં અંદાજે ચાર મહિનાનો સમય લાગે છે. અનુકૂળ પરિસ્થિતિમાં એક વીઘા જમીનમાંથી આશરે 25 મણ સુધીનો ઉતારો મળતો હોવાનું તેઓ જણાવે છે.
ખેડૂતો માટે સૌથી મોટી રાહત એ છે કે બાજરાની ગુણવત્તા અને સ્વાદને કારણે વાવેતરના સમયથી જ ખરીદદારોનો સંપર્ક શરૂ થઈ જાય છે. પરિણામે પાક તૈયાર થયા પછી વેચાણની ચિંતા પ્રમાણમાં ઓછી રહે છે.
આમ, બાબરકોટનો દેશી બાજરો માત્ર ખેતીનો પાક નથી, પરંતુ તેની આગવી મીઠાશ, સ્થાનિક હવામાન અને ખેડૂતોની મહેનતના કારણે સમગ્ર વિસ્તારની ઓળખ બની રહ્યો છે.