Loading Date... Gold 24K: ₹90,627 | Silver 1kg: ₹106,925 અમરેલી (Amreli): 32°C (સાફ વાતાવરણ (Clear))
WhatsApp Channel: Join our official channel for real-time breaking news updates!
Join WhatsApp Channel

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! આપણી પરંપરાગત બજારો માત્ર જૂની તસવીરોમાં જ જોવા મળે ?

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! આપણી પરંપરાગત બજારો માત્ર જૂની તસવીરોમાં જ જોવા મળે ?
Google AdSense In-Article Responsive Ad (Top Content)
AI & Voice Quick Answer (મુખ્ય તારણો) AEO Verified

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! તમે કહી શકો કે બેંગાલ ટાઇગર, એશિયાટિક લાયન, સ્નો લેપર્ડ, બ્લેકબક અને ભારતની બજારોમાં ધંધો કરતો નાનો છૂટક વેપારી — આ બધા વચ્ચે શું સામ્ય છે ?જવાબ છે : આ બધી લુપ્ત થઈ રહેલ પ્રજાતિઓ છે !ફરક માત્ર એટલો છે કે વન્યજીવોના સંરક...

નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! તમે કહી શકો કે બેંગાલ ટાઇગર, એશિયાટિક લાયન, સ્નો લેપર્ડ, બ્લેકબક અને ભારતની બજારોમાં ધંધો કરતો નાનો છૂટક વેપારી — આ બધા વચ્ચે શું સામ્ય છે ?
જવાબ છે : આ બધી લુપ્ત થઈ રહેલ પ્રજાતિઓ છે !
ફરક માત્ર એટલો છે કે વન્યજીવોના સંરક્ષણ માટે અભયારણ્યો છે, કાયદા છે, સરકારી યોજનાઓ છે અને અનેક સંસ્થાઓ છે. પરંતુ અસ્તિત્વની લડાઈ લડતા નાના છૂટક વેપારી માટે એવું કોઈ અભયારણ્ય નથી !
ભારતની પરંપરાગત બજારોમાં એક અદભૂત બદલાવ આવી ચૂક્યો છે. નાની દુકાનોમાંથી ધીમે ધીમે ગ્રાહકો અદૃશ્ય થઈ રહ્યા છે ! અમરેલી જેવા શહેરોની બજારોમાં નીકળીએ અને દુકાનોમાં નજર કરીએ તો શેઠ અને વાણોતર બંને હાથમાં મોબાઈલ લઈને બેઠા જોવા મળે ! આખા દિવસ દરમિયાન દુકાનમાં જેટલા ગ્રાહકો નથી આવતા, તેનાથી વધારે રીલ મોબાઈલમાં આવી જાય છે ! અને આ પરિસ્થિતિ માત્ર અમરેલી પૂરતી મર્યાદિત નથી. દેશનાં અસંખ્ય નાનાં અને મધ્યમ શહેરોની પરંપરાગત બજારોમાં આવા જ દૃશ્યો જોવા મળે છે. રાજકોટની બજારોમાં પરંપરાગત બપોરની રીસેસ એક સમયે વેપારીઓની વ્યસ્ત દિનચર્યામાંથી મળતો વિરામ હતો. આજે કેટલાક નાના વેપારીઓ માટે એ રીસેસ જાણે ગ્રાહકોની પ્રતીક્ષા કરવામાંથી મળતી રાહત બની ગઈ છે !
વિશાળ શોપિંગ મોલ, સુપરમાર્કેટ, ઓનલાઇન માર્કેટપ્લેસ અને હવે ક્વિક કોમર્સ કંપનીઓ જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપારમાં ઝડપથી પોતાનું સ્થાન જમાવી રહી છે. એક તરફ કરોડોની મૂડી ધરાવતી કોર્પોરેટ કંપનીઓ છે, બીજી તરફ આખી જિંદગીની બચત દુકાનમાં રોકીને બેઠેલો નાનો વેપારી છે.
આ કંપનીઓ પાસે અત્યાધુનિક ટેક્નોલોજી, વિશાળ જાહેરાત બજેટ અને એક શાથે મોટા પાયે ખરીદી કરવાની ક્ષમતા છે. તેઓ ડિસ્કાઉન્ટ આપી શકે છે, ઘરબેઠાં ડિલિવરી કરી શકે છે અને અમુક બજારોમાં લાંબા સમય સુધી અત્યંત ઓછા નફા સાથે વેપાર પણ કરી શકે છે.તેની સામે નાના દુકાનદાર પાસે શું છે ? મર્યાદિત મૂડી, દુકાનનું ભાડું, વીજળીનું બિલ, કર્મચારીનો પગાર, માલની ઉધારી અને પરિવારના ભરણપોષણની જવાબદારી !
આ સ્પર્ધામાં બંને માટે મેદાન એક છે, પરંતુ બંનેની આર્થિક તાકાત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે.
અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે.
શું મુક્ત બજારનો અર્થ માત્ર મોટી મૂડી ધરાવનારને જ ટકી રહેવાની તક આપવાનો છે ?
આધુનિક વેપારનો વિરોધ નથી, પરંતુ આધુનિકીકરણની આ દોડમાં પરંપરાગત નાના વેપારીઓ સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાઈ જાય તો તેના સામાજિક અને આર્થિક પરિણામો શું હશે ?
નાનો દુકાનદાર માત્ર ચીજવસ્તુઓ વેચતો માણસ નથી, તે સ્થાનિક અર્થતંત્રની એક મહત્ત્વની કડી છે.તે પોતાના વિસ્તારમાં રોજગારી આપે છે. સ્થાનિક ઉત્પાદકો પાસેથી માલ ખરીદે છે. ગ્રાહકને ઓળખે છે. જરૂરિયાતના સમયે ઉધાર આપે છે. પોતાના ગ્રાહકના સુખદુઃખમાં ભાગીદાર બને છે.
આપણે માત્ર દુકાનો નથી ગુમાવી રહ્યા, આપણી બજારોની એક સામાજિક સંસ્કૃતિ પણ ગુમાવવાનું જોખમ ઊભું થયું છે.
જેમ ની પાસે રોજિંદો વેપાર ચલાવવા પૂરતી મૂડી પણ માંડ હોય, તેની પાસેથી અબજો રૂપિયાની કંપનીઓ સામે એકલા હાથે સ્પર્ધા કરવાની અપેક્ષા કેટલી વાજબી છે ?
દેશના કરોડો પરિવારોના જીવનનિર્વાહ સાથે જોડાયેલા નાના વેપારીઓ માટે પણ ટેક્નોલોજી, સસ્તું ધિરાણ, ડિજિટલ માર્કેટિંગ અને ન્યાયસંગત સ્પર્ધાની વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર નથી ?
દેશની આર્થિક પ્રગતિનું માપ માત્ર કેટલા નવા મોલ ખૂલ્યા કે કેટલી ઓનલાઇન ડિલિવરી થઈ તેના પરથી નક્કી ન થઈ શકે. તેની સાથે એ પણ જોવું પડશે કે દેશની પરંપરાગત બજારોમાં કેટલા નાના વેપારીઓ હજુ પોતાના પગ પર ઊભા છે.
સવાલ માત્ર એટલો જ છે :
વાઘ માટે અભયારણ્ય છે, સિંહ માટે સંરક્ષણ છે, પરંતુ ભારતના નાના વેપારીના અસ્તિત્વનું રક્ષણ કોણ કરશે ? અને કદાચ તેનાથી પણ મોટો સવાલ :
આપણે જાગીશું ત્યારે ક્યાંક એવું તો નહીં બને કે આપણી પરંપરાગત બજારો માત્ર જૂની તસવીરોમાં જ જોવા મળે ?
Google AdSense In-Article Mid-Content Ad Slot
Share this story:
Google AdSense Mobile Sticky Bottom Anchor (320x50)