ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પાલિકા ગ્રાઉન્ડ ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુથી 'સ્વદેશી મેળો' યોજવામાં આવ્યો છે. જોકે, આ મેળો શરૂ થતાંની સાથે જ ભ્રષ્ટાચાર અને ઘોર ગેરવ્યવસ્થાના આક્ષેપો સાથે ભારે વિવાદમાં સપડાયો છે. આશરે ૧૦ લાખ રૂપિયાના મોટા ખર્ચે ટેન્ડર બહાર પાડીને આયોજિત કરાયેલા આ મેળામાં ટેન્ડર મુજબની પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ મેળાની મુલાકાત લઈને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કુલ ફાળવાયેલા આશરે ૪૪ સ્ટોલમાંથી ૧૦થી ૧૫ જેટલા સ્ટોલ ખાલી પડ્યા છે અને લોકોમાં પણ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. બહેનો માટે મેળાના સ્થળે શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમણે નગરપાલિકાની બિલ્ડિંગમાં જવું પડે છે, જે સીધી રીતે ટેન્ડર શરતોનો ભંગ છે.
પીવાનું પાણી અને ભોજન: મેળામાં પીવાનું પાણી ગરમ છે અને પૂરતા પ્રમાણમાં જગ મૂકવામાં આવ્યા નથી. તેમજ સ્ટોલધારકો માટે આવતું ટિફિન મર્યાદિત અને ગુણવત્તા વગરનું હોવાથી તેમણે તે લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
નિયમ મુજબ પીજીવીસીએલમાંથી અલગ સબ-મીટર કે થ્રી-ફેઝ કનેક્શન લેવું જોઈએ, પરંતુ તેની જગ્યાએ સીધું નગરપાલિકાના મીટરમાંથી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન જોડી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાયો છે.
લાખો રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફ ડોમ બનાવવાની જગ્યાએ સાદો મંડપ ઊભો કરી દેવાયો છે અને ગેમઝોન સ્થળ પર અસ્તિત્વમાં જ નથી.
મેળામાં અગરબત્તીનો સ્ટોલ રાખનાર વેપારી ગિરીશભાઈ ત્રિવેદીએ પોતાની મુશ્કેલી રજૂ કરતા જણાવ્યું હતું કે, પીવાની પાણીની સુવિધા ન હોવાથી તેમને ઘરથી પાણી લાવવું પડે છે. વળી, યોગ્ય વ્યવસ્થાના અભાવે ગ્રાહકોની પાંખી હાજરી છે, જેથી વેપાર પણ થઈ રહ્યો નથી.
મુલાકાતી ઉવેજ કાદરીએ જણાવ્યું હતું કે, વોટરપ્રૂફ ડોમ અને ચિલ્ડ્રન ગેમઝોન જેવી અદ્યતન સુવિધાઓ આપવાની વાતો પોકળ સાબિત થઈ છે અને વાસ્તવિકતામાં સાદો મંડપ બાંધી દેવાયો છે.
મેળાના આયોજન સામે આક્રોશ વ્યક્ત કરતા સાવરકુંડલા પાલિકાના સદસ્ય નાસીરભાઈ ચૌહાણે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર સ્વદેશી મેળાના નામે માત્ર મોટા હોર્ડિંગ્સ અને જાહેરાતો કરીને વાહ-વાહી લૂંટવાનો પ્રયાસ કરે છે. ૧૦ લાખ રૂપિયાના ખર્ચ સામે મેળામાં ગ્રાહકો પણ આવતા નથી. તેમણે રોષપૂર્વક ઉમેર્યું હતું કે, "જો ખરેખર નાના ધંધાર્થીઓ, પાથરણાંવાળા કે રેકડીવાળાનું હિત ઇચ્છતી હોય તો આ ૧૦ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને રળાવવાને બદલે સ્થાનિક નાના વેપારીઓના ખાતામાં સીધા ૧૦-૧૦ હજાર રૂપિયા જમા કરાવી દીધા હોત તો તેમની દિવાળી સુધરી જાત. આવા તાયફાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ."
પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે યોજાતા આવા મેળાઓમાં જો મૂળભૂત સુવિધાઓ જ ન મળતી હોય અને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે નિયમોનો ભંગ થતો હોય, તો આ અંગે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થવી જોઈએ તેવી પ્રબળ લોકલાગણી ઉઠી છે.